જીવનયાત્રામાં ગતિ અને મતિનું સંતુલન જાળવતો સ્ત્રોત એટલે જ ગુરુ : ડૉ મતાઉદ્દીન ચિશ્તી
હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુરુ પૂર્ણિમાનાં અવસર નિમિત્તે તાલુકા મથક મોટામિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ભવ્ય ઉજવણીસહ
.કરવામાં આવી હતી. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામા અનુયાયીઓ હાજર રહ્યા હતાં.
ઘરે-ઘરે ગાય પાળો, કોમી એકતા, ભાઈચારો માનવસેવા, વ્યસનમુક્તિ, ઘરે-ઘરે વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતાં. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાનાં દિને વિશેષ સંદેશ પાઠવતાં જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં ગુરુ તરફથી આપવામાં આવેલ વચનોને ફક્ત સાંભળવા પૂરતાં સિમિત ન રાખતાં તેને અનુસરવા જોઇએ. જીવનયાત્રામાં ગતિ અને મતિનું સંતુલન જળવાય એ માટેનો સ્ત્રોત એટલે જ ગુરુ, પીર, મુર્શીદ કે રાહબર. આ જ રાહબર થકી થઇ શકે સુશોભિત ભીતરનું ઘર. ગતિશીલ જીવનમાં માર્ગદર્શકનું સાંનિધ્ય અતિશય જરૂરી છે, એ જ જીવનને યોગ્ય દિશા તરફ લઇ જાય છે. આજનાં દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવા અનુરોધ કરાયો હતો. સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા, વ્યસન મુક્તિ માટે તથા ઘરે-ઘરે સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું.