તાપી જિલ્લાની તમામ આંગણવાડીઓના ભૂલકાઓ યોગાભ્યાસ કરી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરી
૧૮૩૭૫ બાળકો, ૧૪૩૩ સર્ગભા માતાઓ, ૧૨૪૦ ધાત્રીમાતાઓ, અને ૪૧૫૧ કિશોરીઓએ યોગ અંગે જાગૃતતા મેળવી
–
યોગાભ્યાસમાં નાના ભુલકાઓએ ભાગીદારી નોંધાવતા વાલીઓ ભારે ઉત્સુક થયા
–
(માહિતી બ્યુરો, તાપી),તા.૨૨: રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે તથા જન સમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા, યોગ પ્રવૃત્તિના વિકાસ માટે સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા અનેક સ્થળોએ યોગાભ્યાસ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને અનુલક્ષીને આઇસીડીએસ વિભાગ તાપી દ્વારા ૨૧ જુન ના દિવસે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી જિલ્લાની તમામ આંગણવાડીઓ ખાતે કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા હસ્તકની ૧૦૪૯ આંગણવાડીઓ ખાતે વર્કર બહેનો દ્વારા આંગણવાડીના લાભાર્થીઓને યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૮૩૭૫ બાળકો, ૧૪૩૩ સર્ગભા માતાઓ, ૧૨૪૦ ધાત્રીમાતાઓ, અને ૪૧૫૧ કિશોરીઓ મળી સૌએ યોગાઅભ્યાસ કર્યો હતો.
આંગણવાડી શિક્ષણનું પ્રથમ પગથિયું છે, ત્યારે ભુલકાઓમાં યોગ અંગે જાગૃતતા કેળવી તેઓને યોગાભ્યાસ કરાવવું ખુબ જ મહત્વની બાબત સાબિત થાય છે. બાળકોએ બાળસહજ રીતે આડા-ટેળા હાથ પગ કરી યોગા કર્યા, બન્ને આંખો બંધ કરવા કહો તો ઝીણી આંખો કરી, આંખો બંધ હોવાનો દેખાડો કરી, પ્રાણાયામ દરમિયાન નિખાલસપણે ઓમ-ઓમનું રટણ કરતા ભુલકાઓએ માહોલ હળવો અને ખુશનુમા બનાવ્યો હતો.
યોગાભ્યાસમાં નાના ભુલકાઓ પણ ભાગ લેતા લાભાર્થી વાલીઓમાં ભારે ઉત્સુક્તા જોવા મળી હતી.
00000000
વૈશાલી પરમાર