બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવીને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ હાંસલ કરવા રાજય સરકારશ્રીએ અમલી બનાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સફળ બનાવવા માટે આખરી ઓપ આપવામાં આવેલ છે.
રાજય સરકારશ્રી પ્રેરિત આ કાર્યક્રમને ચાલુ વર્ષે પણ પાછલા વર્ષોની જેમ જ ભવ્ય સફળતા મળે એ હેતુસર તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં નેજા હેઠળ સી.આર.સી. કો-ઓર્ડિનેટરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક અંતર્ગત આ ત્રિદિવસીય કાર્યક્રમને ૧૦૦% સિધ્ધિ હાંસલ કરવાનો આખરી ઓપ અપાયો હતો.
તારીખ ૧૨ થી ૧૪ જૂન દરમિયાન યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓને કુલ ૧૨ રૂટમાં વહેંચી દેવામાં આવી છે. સરકારશ્રી દ્વારા નિયુક્ત અધિકારીશ્રીઓ, પદાઅધિકારીશ્રીઓ અને તેમની સમગ્ર ટીમ નિયત શાળાઓમાં હાજરી આપી બાળકોને પ્રવેશોત્સવ કરાવશે. જે પૈકી ત્રણ રૂટ ઉપર રાજ્યકક્ષાનાં અધિકારીઓ હાજર રહેશે. તેમનાં લાયઝનીંગમાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર જોડાશે.
કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૧ માં ૧૮૪ બાળકો, બાલવાટિકામાં ૯૨૮ બાળકો તથા આંગણવાડીમાં અંદાજીત ૩૦૪ બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ પામનાર દરેક બાળકને દાતાઓ તરફથી દફ્તર તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવશે. દરેક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૧ થી ૩ નંબરે ઉત્તીર્ણ થયેલ બાળકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવશે. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.