ઓલપાડની લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં ગૌરી ગણેશનું ભક્તિભાવપૂર્વક સ્થાપન અને વિસર્જન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમૃદ્ધિ અને જ્ઞાનનાં દેવતા ગણેશજી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024 થી 17 સપ્ટેમ્બર દરમિયાન છે. જે 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ઘર, શેરી, મહોલ્લામાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.
સદર ગણેશોત્સવની ઉજવણી ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. બાળકો દ્વારા નિર્મિત ગૌરી ગણેશની પ્રતિમાનું શાળામાં સ્થાપન કર્યા બાદ આજરોજ ઢોલનગારા અને ગણપતિ બાપા મોર્યાનાં નાદ સાથે તેમનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રતિમાને શાળા કમ્પાઉન્ડમાં મોટા પાત્રમાં વિસર્જિત કરીને શાળા પરિવારે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.