નિઝર તાલુકાનાં નાસરપુર ગામે ગ્રામજનોએ જાતે માર્ગ ઉપરના ખાડાઓ પૂર્યા : તંત્ર બેફિકર
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકામાં આવેલ રાયગઢ ગ્રુપ ગ્રામ પંચાયત નાસરપુર ગામમાં આજરોજ ગ્રામજનો દ્વારા ફાળો ઉઘરાવી ગામના રસ્તા ઉપરના ખાડા પુરવામાં આવી રહયા છે. નાસરપુર ગામમાં રસ્તાઓ બનાવવામાં આવેલ નથી. ગામમાં સિસી વર્કનું પણ કામ કરવામાં આવેલ નથી.
નાસરપુર ગામના અબિતભાઈ પાડવી ગ્રામ પંચાયતના સભ્યએ જણાવ્યું છે કે, ગ્રુપ ગ્રામ પંચાયત રાયગઢમાં વર્ષોથી વિકાસના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. તેના પુરાવા સાથે આગઉ પણ તાલુકા વિકાસ અધિકારીશ્રી નિઝર, જિલ્લા વિકાસ અધિકારીસાહેબ તાપીને પણ અરજીઓ કરવામાં આવેલ છે. છતાં પણ આજ સુધી ગ્રુપ ગ્રામ પંચાયત રાયગઢ ગામમાં ભ્રષ્ટાચાર કરનાર પર તપાસ કરવામાં આવી નથી.
આજે લોકો જાતેજ ફાળો ઉઘરાણી કરીને રસ્તાઓનું કામ કરવા મજબુર થયા છે. નિઝર તાલુકાના ગામોમાં સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાંટ ફાળવામાં આવે છે, તેમ છતાં ગામોમાં કેમ વિકાસ થતો નથી ?આ પ્રશ્ન નિઝર તાલુકા પંચાયતના વહીવટકર્તાઓ ઉપર ઉઠી રહયો છે. આવીજ રીતે નિઝર તાલુકાના ગામોમાં ભ્રષ્ટાચાર ચાલશે તો લોકો ચુંટણીમાં વોટ કરવાનું બંધ કરી દેશે, કેમ કે ભારત દેશમાં લોકશાહી ચાલે છે. પરંતુ આજના યુગમાં હિટલરશાહી ચાલતી હોય એવું ચિત્ર છે. જાગ્રત નાગરિકો ભ્રષ્ટાચાર કરનાર પર આર.ટી.આઈ. કરે તો તાલુકા પંચાયત ઓફિસમાં જાગ્રત નાગરિકોને સરપંચ અને લેભાગુ કોન્ટ્રેક્ટર દ્વારા માર મારવામાં આવે છે. શું આવા અધિકારીઓ નિઝર તાલુકામાં હોય તો નિઝર તાલુકાના ગામોનો ક્યારેય પણ વિકાસ થશે નહીં ? લોકો દ્વારા પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે, કેમ કે લોકોના કામ થાય એટલા માટે લોકો સરપંચને ચૂંટીને પંચાયતમાં 5 વર્ષ બેસાડે છે. પરંતુ નિઝર તાલુકાના ગામોમાં સર્વે કરવામાં આવે તો નિઝર તાલુકાના ગામોમાં 25% સરપંચોના ઘરો જ કાચા મકાનો હશે. 75% સરપંચોના ઘરો તો આરસીસી બંગલાઓ બની ચૂક્યા છે. સરપંચો બંગલો બનાવે એને શું ગામનો વિકાસ કહી શકાય ખરો ? નિઝર તાલુકાના ગામોમાં ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધી રહયો છે. નિઝર તાલુકાના ગામોના જાગ્રત નાગરિકો આશ લગાવીને બેઠા છે કે જિલ્લામાંથી મેઁ. કલેકટરશ્રી રૂબરૂ નિઝર તાલુકાના તમામ ગામોની મુલાકાતો કરે તો ખરે ખર શું છે તે ખબર પડી શકે. અને રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવે તો વિકાસના નામ પર ભ્રષ્ટાચાર કરનાર ભ્રષ્ટાચારીઓ પકડાશે.