વધુ એક બાળલગ્ન અટકાવતી આહવાની ૧૮૧-અભયમ ટીમ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા: તા: ૧: ડાંગ જિલ્લાની ૧૪ વર્ષીય કન્યાના બાળલગ્ન અટકાવવામાં આહવાની ૧૮૧-અભયમ ટીમ ને સફળતા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની એક ૧૪ વર્ષીય કન્યા કે જે ધોરણ-૯માં અભ્યાસ કરે છે તેણીના લગ્ન મહારાષ્ટ્રમાં નક્કી થતા, સ્થાનિક રીતરિવાજ મુજબ કન્યા પક્ષની જાન મહારાષ્ટ્ર ખાતે જવા રવાના થઈ હતી. જેની જાણ ૧૮૧-અભયમ ની ટીમને થતા તુરત જ એક્શનમાં આવેલી ટીમે ડાંગ પોલીસના સહયોગથી સાપુતારા પોલીસ સ્ટેશનની હદમાં જાન ને રોકવામાં સફળતા મેળવી હતી.
જ્યાં કન્યાપક્ષના વડીલોને બાળ લગ્ન એ કાયદેસર અપરાધ છે તેમ જણાવી યોગ્ય ઉંમર ન થાય ત્યાં સુધી આ લગ્ન મોકૂફ રાખવા માટે ૧૮૧-અભયમ ટીમ દ્વારા માર્ગદર્શન સાથે સમજ આપવામાં આવી હતી. બાદમાં સૌ સંમત થતા આ બાળ લગ્ન ઉપર રોક લગાવાઈ હતી.
–